સરપ્રાઇઝ

આપ સહુને ગણતંત્ર દિવસની શુભકામનાઓ…..

મેરા ભારત મહાનબને વધુ મહાનવધુ બળવાન… અને થાય ઉત્તરોત્તર એની વધુ પ્રગતિ એવી પ્રભુ પ્રાર્થના..

(આપની સમક્ષ રજુ કરૂં છું મારી મનગમતી કૃતિ  ‘સરપ્રાઇઝ ‘ !

આ વાર્તાનુ મારે માટે મહત્વ એટલા માટે છે કે એ સહુ પ્રથમ આપણી જાણીતી માનીતી રીડ ગુજરાતી.કૉમ પર પ્રકાશિત થઇ હતી અને એ કારણે મારા ઉત્સાહમાં ઊછાળ આવ્યો ને મારો બ્લોગ બનાવવાનું બીજ રોપાયેલ.. આ માટે મૃગેશભાઇનો હું ભવોભવનો ઋણી રહીશ.

વિશેષ, આ વાર્તા ન્યુ જર્સીથી પકાશિત થતાં તિરંગામાં પ્રકાશિત થયેલ મારી પ્રથમ વાર્તા છે અને ત્યારબાદ, મારો અને તિરંગા માસિકનો કાયમી નાતો બંધાયો.મારા યુ એસ  આવ્યા પછીની પ્રથમ વાર્તા પેપર મિડિયામાં પ્રકાશિત થઇ. આજે હું તિરંગા ઓફ ન્યુ  જર્સીનો કાયમી લેખક બન્યો છું…આ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે.

આ માટે તિરંગાના પ્રકાશક અને માલિક શ્રીમાન નિતિનભાઇ ગુર્જરનો ખુબ જ આભારી છું..તિરંગાએ મને જે માધ્યમ પુરૂં પાડ્યું છે એ મારા માટે બહુ મોટું પ્રેરક બળ બની રહ્યું છે…અને  વાંચકો મારા વિશે થોડું જાણતા થયા.

આ વાર્તા ઘણા મિત્રોએ માણેલ છે…જાણેલ છે અને વખાણેલ છે…એઓ માટે મારા બ્લોગ પર સરપ્રાઇઝવાંચવાનું પુનરાવર્તન થશે તો મને ક્ષમા કરશો.

હા, આપને પ્રતિભાવો-કોમેંટ માટે નમ્ર વિનંતી છે.)

સરપ્રાઇઝ

હેલ્લો…. કોણ ?!’ કૉલર-આઈડી માં નંબર ન પડતાં મે પૂછ્યું.
હું નીલઅંકલ !સામેથી ઘેરો અવાજ આવ્યો. એ નીલનો ફૉન હતો.
ઓહ ! નીલ !! આફટર અ લૉંગ ટાઈમ !મેં કહ્યું.
સોરીઅંકલ ! યુ નો અવર લાઈવ્સ…’
યાયા…. !’ સોફા પર પગ લંબાવી મેં આરામથી બેસતાં કહ્યું, ‘તારી જૉબ કેમ છે ? આઈ.બી.એમ કે બીજે ક્યાંક ?’
આઈ.બી.એમ ? ઈટ્સ કુઉઉલ !!નીલે હસતાં હસતાં કહ્યું. નીલ સૉફટવેર ઍન્જિનિયર હતો. એણે આગળ વાત કરતાં કહ્યું, ‘યુ નો અંકલ, આજકાલ જૉબ માર્કેટ ડાઉન છે. પણ અત્યારે તો જોબ છે. બાકી કહેવાય છે ને કે…. યુ કેન નોટ રિલાય ઓન થ્રી ડબ્લ્યુઝ ઈન યુ.એસ ! વર્ક…… વેધર…. ઍન્ડ…..!’
વુમન…..!!’ હસતાં હસતાં મેં એનું વાક્ય પૂરું કર્યું. નીલ મારા મિત્ર કરસનનો દૂરનો ભત્રીજો હતો. કરસને જ એને દેશથી અમેરિકા બોલાવ્યો હતો…..ભણાવ્યો હતો…. પરણાવ્યો હતોઅને ઠેકાણે પણ પાડ્યો હતો. અંકલ, હાઉ ઈઝ રાધા આન્ટી ?’
એઝ યુઝઅલ, શી ઈઝ બીઝી ઈન કિચન…’
અંકલ, કેકે અંકલની બર્થ ડે છે….યુ નો ?’ એને વાત વાતમાં યુનોબોલવાની આદત હતી.
યસ, આઈ નો.
તો એમના માટે સરપ્રાઈઝ બર્થ-ડે પાર્ટી એરેન્જ કરવાની છે. એમને ફિફ્ટી થવાના. યુ નો. ગોલ્ડન જ્યુબિલી ! તમારે, આન્ટીએ અને સોનીએ તો ખાસ આવવાનું જ છે. યુ નો ! આ સરપ્રાઈઝ પાર્ટી છે.
યસ !
એટલે જ ઈન્વીટેશન કાર્ડ કે એવું કંઈ નથી. ખાસ રિલેટિવ્ઝ, ફ્રેન્ડ્ઝ અને અંકલનું ક્લોઝ સર્કલ છે. એબાઉટ 150 થઈ જશે.એ અટક્યો અને ઊમેર્યું, ‘આઈ નીડ યોર હેલ્પ. પ્રોગ્રામની આઉટ લાઈન અને ગેસ્ટ લીસ્ટ તમને ઈ-મેઈલ કરું છું. પ્લીઝ, ચેક ઈટ. તમારે કંઈ ચેઈન્જ કરવું હોય, એડ કરવું હોય….જસ્ટ ડુ ઈટયુ નો, કેકે અંકલની સહુથી કલોઝ હોય તો તમો જ છો !

કેકે એટલે કરસન ! કરસન કડછી ! મારો લંગોટિયો સીધો સાદો ભોળિયો કરસન કડછી.. હું અને કરસન વરસો પહેલા દેશમાં એક જ સ્કુલમાં સાથે ભણ્યા હતા. એક જ આસને ભોંય પર બેસતા હતા. કરસન, મોહન કડછીનો એકનો એક પુત્ર….. અમારી ગામમાં ખેતીવાડી હતી. બે માળનું ઘર હતું, જ્યારે કરસન બ્રાહ્મણ ફળિયામાં એક ખોરડામાં એના પિતા મોહનકાકા સાથે રહેતો હતો. મોહનકાકા રસોઈયા હતા. સમાજમાં લગ્ન પ્રસંગ હોય કે મરણનું જમણ હોય, મોહનકાકાની રસોઈ વગર પ્રસંગ અધૂરો ગણાતો. એમની દાળ એટલી સ્વાદિષ્ટ બનતી કે બધા એમને કડછી કહેતા અને પછી એ એમની અટક બની ગઈ ! કરસન પણ એમની સાથે મદદે જતો. એ જમાનામાં લાપસી, રીંગણ બટાકાનું શાક અને દાળભાતનું જમણ લગ્ન પ્રસંગે સર્વમાન્ય ગણાતું. મોહનકાકાની દાળનો સ્વાદ આટલા વરસે પણ મારા મોઢામાં પાણી લાવી દેતો હતો !!

કરસન પણ પિતાની સાથે સાથે રસોઈ બનાવતા શીખી ગયો. અમે બંને હાઈસ્કુલ સાથે ભણ્યા. ભણવામાં એ સામાન્ય હતો. નિર્દોષ, ભોળિયો અને કોઈ ખોટી લાગણી નહીં, કોઈ ખોટી માંગણી નહીં. સમયના રોજ બદલાતા જતા ચોકઠામાં ગોઠવાઈ જવાનું જો શીખવું હોય તો કરસન પાસે જ શીખવું પડે. હાઈસ્કુલ પછી હું સુરત ગાંધી એન્જિન્યરિંગ કૉલેજમાં ઈજનેરીનું ભણવા લાગ્યો અને કરસન પિતાની સાથે ખાનદાની ધંધામાં જોડાયો અને ધીરે ધીરે રાંધવાની કળામાં પાવરધો બની ગયો. મોહનકાકાની તબિયત નરમ-ગરમ રહેતી પણ કરસને એમની સાથે રહી યુવાન વયે જ એમની બધી કળા આત્મસાત્ કરી લીધી. હું આ દરમિયાન ગાંધી કૉલેજમાં ભણી ઈલેક્ટ્રીકલ એન્જિનિયર બની ગયો અને કરસન અવ્વલ રસોઈયો !! મને સુરત મ્યુનિસિપાલીટીમાં નોકરી મળી ગઈ અને કરસન લગ્નની સિઝનમાં બીઝી રહેવા લાગ્યો. એના જીવનમાં પણ તકલીફો રહેતી પરંતુ એ જિંદગી જેવી હતી એવી અપનાવતા શીખી ગયો હતો. જિંદગી વિશે કદી કોઈ કડવી વાત, ફરિયાદ એના મોંએથી નીકળી ન હતી. થોડા સમય બાદ તો મોહનકાકા સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા હતા. કરસનની આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી, પણ એ હરદમ હસતો રહેતો. હું એની પરિસ્થિતિ સમજતો અને મારાથી બનતી મદદ કરતો. અરે ! મારા પહેરેલા કપડાં એને આવી રહેતા અને એ પણ એ રાજીખુશીથી પહેરતો !

જિંદગીનું ચગડોળ નિરંતર ફરતું રહેતું હોય છે. નજીકના ગામના એક અંબુ પટેલ અમેરિકાથી એમના કુટુંબ સાથે દરેક શિયાળામાં આવતા. પટેલ ફળિયામાં એમનું મહેલ જેવું ઘર હતું. અમેરિકામાં એમનો ઈલેક્ટ્રોનિક્સ આઈટમનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો બહોળો બિઝનેસ હતો અને ગામમાં ખેતી. ગામમાં એમણે રાધા-કૃષ્ણનું ખૂબ મોટું મંદિર બંધાવ્યું હતું અને મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વખતે બહુ મોટો જમણવાર રાખેલો. એ જમણવારમાં પણ રસોઈ તો કરસનની જ ! અંબુભાઈએ એ વખતે કરસનના હાથની દાળ પહેલીવાર ચાખી અને આંગળા ચાટતા રહી ગયા. એમને પોતાના ગામના ઘર માટે આવા જ કોઈ માણસની જરૂર હતી. તેથી એમણે કરસનને પોતાના ઘરે રાખી લીધો. કરસન તો બટાકા જેવો હતો !! ગમે તે શાકમાં ગમે તે રીતે વાપરી શકો ! થોડા સમયમાં તો ઘરના માણસની જેમ અંબુભાઈના કુટુંબનો જ સભ્ય બની ગયો.

અંબુભાઈએ બે-ત્રણ વાર દેશ-પરદેશ કર્યું પણ અમેરિકા આવ્યા બાદ એમને કરસનની દાળ યાદ બહુ આવતી. કરસનની દાળ વિનાનું જમણ એમને અધુરું અધુરું લાગવા માંડ્યું. એક વખતે જયારે તેઓ દેશ આવ્યા ત્યારે તેમણે કરસનને અમેરિકા આવવા માટે કહ્યું. કરસનને શો વાંધો હોય ? મોહનકાકા તો સ્વર્ગે સિધાવી ચુક્યા હતા. વળી એ જમાનામાં આજની જેમ ઈમિગ્રેશન-વીઝા-પાસપોર્ટની લમણાઝીંક પણ ન હતી. થોડા જ સમયમાં તો કરસન ગામથી માયામીમાં આવી ગયો

આ સમય દરમિયાન હું પણ મારી પત્ની રાધાની પાછળ પાછળ અમેરિકા આવ્યો. રાધા અમેરિકાની સિટિઝન હતી એટલે જલ્દી આવી શકાયું. કરસનના આવ્યા બાદ લગભગ છ-એક મહિને હું અહીં ન્યુજર્સી આવ્યો. અમારે રોજ ફોન પર વાતો થવા માંડી.

કરસને અંબુભાઈને જીતી લીધા હતાં. રસોઈકળામાં તો એ પાવરધો હતો જ. ટીવી જોઈ, પુસ્તકો વાંચી કરસન રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં પારંગત બની ગયો. અંબુભાઈએ પણ એને મોકળું મેદાન પૂરું પાડ્યું. કહેવાય છે કે દિલ જીતવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે ! અંબુ પટેલે કરસનની કળા પારખી. એ તો પોતે ડૉલરના ડુંગરા પર બેઠા હતા જ, ધન ક્યાં રોકવું એ પ્રશન હતો ! આ બધાનું પરિણામ એ આવ્યું કે એક દિવસ કરસન કડછીની આગેવાની હેઠળ માયામીમા એશિયન રેસ્ટોરાં, ‘કડછીનું ઉદ્દઘાટન માયામીના મેયરે કર્યું. રેસ્ટોરાં માટેકડછીનામ પણ અંબુભાઈએ પસંદ કર્યું.

ખાવાના શોખીનો તો ક્યાં ન હોય ? વળી, માયામી બહુ મોટું ટુરિસ્ટ પલેસ. કરસનની કડછીધમધોકાર ચાલવા માંડી. અંબુભાઈની ધંધાકીય સૂઝ અને કરસનની મહેનતથી સ્વાદનો સપ્તરંગી સાગર અમેરિકામાં ફેલાઈ ગયો. કરસન પછી કેકેતરીખે ઓળખાવા લાગ્યો. રેસ્ટોરાંનું ધ્યાન રાખવા છતાં સવારસાંજ અંબુભાઈના ઘરની રસોઈ પણ એ જાતે જ બનાવતો. એની વિનમ્રતા, ભલમનસાઈ અને પ્રમાણિકાતામાં વધારો થતો ગયો. અંબુભાઈએ તેની ભલમનસાઈની કદર કરીને એને કડછીરેસ્ટોરાંમાં પાર્ટનર બનાવી લીધો. માયામીમાં કરસન માટે સરસ મજાનું ત્રણ બેડરૂમનું હાઉસ ખરીદ્યું, એને પરણાવ્યો અને સેટલ કર્યો.

પછી તો કડછીબ્રાન્ડ નેઈમ બની ગયું. કડછીચેઈન રેસ્ટોરાં અમેરિકામાં ફેલાવા લાગી…. ન્યુર્યોક, શિકાગો, વોશિંગ્ટન, બોસ્ટન, એલ.એ – ‘કડછીની શાખાઓ ખુલતી ગઈ. કેકે વ્યસ્ત રહેવા લાગ્યો પણ તેમ છતાં મારી સાથે દિવસમાં એક વાર વાત કર્યા વિના એ સુતો નહિ. રાત્રે-મધરાત્રે એનો ફોન આવે જ અને ન આવે તો હું કરું. અમારી મિત્રતા પણ મજબૂત થતી ગઈ.

અંબુભાઈ સ્વર્ગે સિધાવ્યા ત્યારે બોર બોર આંસુએ મારા ખભા પર માથું રાખી નાના બાળકની જેમ રડ્યો હતો. કેકે હવે રેસ્ટોરામાં સર્વેસર્વા હતો. પ્રોફિટની રકમમાંથી ભાગીદારીના પૈસા તે અંબુભાઈના સંતાનોને આપી દેતો. વળી, એમના સંતાનોને તો પોતાના ધંધામાંથી સમય ન હતો એટલે કડછીની પૂરેપૂરી માલિકી કેકે ને જે સોપી દીધી. કેકેએ દેશમાંથી પોતાના અનેક સગાવહાલા, મિત્રો, રસોઈયાઓને બોલાવ્યા સાથે રાખ્યા, ભણાવ્યા અને ઠેકાણે પાડ્યા.

કેકેની પત્ની પણ સંસ્કારી હતી. તેને દરેક પગલે સાથ આપતી. એનો પુત્ર શ્યામ પણ હોટલનું ભણ્યો અને માયા નામની સુશીલ કન્યા સાથે પરણ્યો. તેઓ શિકાગોમાં રહેવા લાગ્યા. કેકેની પુત્રી પાયલ સોફટવેર ઈજનેર બની ન્યુયોર્ક સેટલ થઈ હતી. માયામીથી બિઝનેસ ચલાવવો અઘરો લાગતા કેકે દશ-બાર વર્ષ પહેલા એડિસન, ન્યુજર્સી સેટલ થયો. અને આમ એ જીવનમાં સતત પ્રગતિ કરવા લાગ્યો. આવો મારો પરમમિત્ર કેકે, પચાસનો થઈ ગયો હતો, લાખો ડોલરનો માલિક છતાં કોઈ અભિમાન નહીં, કોઈ દેખાડો નહિ. બીજા માટે જીવતો, દાન કરતો, બધાની તકલીફો સમજતો. ખૂબ સાદુ અને સરળ જીવન જીવતો.

હવે આવા કેકેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હતી ! ન જાણે શું હશે એનો પ્રતિભાવ. એના ભત્રિજા નીલની ઈમેઈલ મેં જોઈ. ખૂબ ધ્યાનપૂર્વક મહેમાનોનું લીસ્ટ બનાવેલું. અહીંના રોયલ આલ્બર્ટ પેલેસનો ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ બુક કરાવ્યો હતો. અનેક વાનગીઓનું તો મેનુ !! નીલની પુત્રી આ પોગ્રામમાં ભરતનાટ્યમ કરવાની હતી અને ખૂબ મોજમજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા માટે તો આ પાર્ટી સૌથી અગત્યની હતી કારણકે મારા જીગરી દોસ્ત કેકેની સરપ્રાઈઝ પાર્ટી હતી !

મારી જવાબદારી સહુથી વિચિત્ર હતી. મારે કેકેને અને એની પત્ની શાંતાને પાર્ટીમાં લઈ આવવાના હતા અને એ પણ એમને જરાય જાણ ન થાય એ રીતે ! એનો પ્લાન મારે વિચારવાનો હતો. મેં અને રાધાએ નક્કી કર્યું કે અમારી એનિવર્સરીની વાત ઉપજાવી કાઢીને કેકેને પાર્ટીમાં લઈ જઈશું. મને ખાત્રી હતી કે કેકે કદી ના નહીં પાડે અને તેથી મેં કેકેને ફોન જોડ્યો.
હલ્લો કેકેમેં કેકેને ફોન કર્યો.
બોલતુ કેમ છે ?’ સામે કેકે બોલ્યો.
બસ જલસા છે. તુ કહે……’
અમારે તો કડછીમાંથી ઊંચા આવીએ તો ને….ઘણા વખતથી મળવું છે પણ મળાતું નથી.
તેં તો મારા મોંની વાત છીનવી લીધી. લિસન કેકે, આવતા સન્ડે આપણે મળીએ છીએ. કોઈ બહાના નહીં. અને માત્ર તું, ભાભી, હું અને રાધા બસ ચાર જ જણ કારણકે મારી મેરેજ એનિવર્સરી છે. બરાબર છના ટકોરે હું તને હાઉસ પર લેવા આવીશ.મેં વાત બનાવી અને કેકેની સંમતિ લઈ લીધી.

રવિવારે હું અને કરસન નીકળીએ એટલે મારે નીલને મેસેજ આપી દેવાનો હતો. મેં આલિશાન લિમોઝીન કાર ભાડે કરી. નીલે એના મિત્રને અમારી ગાડીનો પીછો કરવા મુક્યો હતો. બરાબર છ ને પાંચે ગાડી કેકેના બારણામાં ઊભી રહી. કેકે અને શાંતાભાભી તૈયાર જ હતા. સાટીનના સુરવાલમાં કેકે માંડ ચાલીસનો લાગતો હતો !
અરે બહુ પૈસા વધી પડ્યા છે તારી પાસે ?’ કેકે લિમોઝીન જોઈને બોલ્યો.
યાર મારી મેરેજ એનિવર્સરી છે. આટલા વરસોથી અમેરિકામાં છીએ પણ આલિશાન કારમાં કદી બેઠા નથી. ચલ જલ્દી કર, ભાડુ વધી જશે.
યસ યસકહી એ અને શાંતાભાભી ઝડપથી ગાડીમાં ગોઠવાયા. મેં નીલને મેસેજ આપી દીધો અને વીસ મિનિટમાં તો અમે રોયલ આલ્બર્ટ પેલેસપર પહોંચ્યા.

અલ્યા, આલ્બર્ટમાં જ ખાવું હતું તો આપણે ઘેર શું ખોટું હતું ?’ કેકે બોલ્યો.

જસ્ટ ચેઈન્જ !મેં એની સાથે નજર મેળવ્યા વિના જ કહ્યું. મારું દિલ ધક ધક થતું હતું. રાધા એનો ચૂડીદાર દુપટ્ટો સરખો કરતી હતી. શાંતાભાભી બહાર નીકળ્યા. મેં ડ્રાઈવરને પચાસની નોટ ટીપમાં આપી તો કેકેની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ !

આલ્બર્ટ પેલેસવાળા જો કેકેને ઓળખી જાય તો લોચા પડી જાય તેથી મેં એને અને શાંતાભાભીને ઝડપથી ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ તરફ દોર્યા. હોલમાં દોઢસો જેટલા માણસો ટાંકણી પડે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિથી અંધારામાં બેઠા હતા.

મેં હૉલનો મેઈન ગેઈટ ખોલ્યો અને ધીરેથી કેકેને અંદર ધકેલ્યો.
પ્રા….….ઝ !!હોલમાં સહુ એક સાથે પોકારી ઊઠ્યા. હોલ ઝળહળા થઈ ગયો. હેપ્પીબર્થડે…. ટુ…. કેકે…..’
આશ્ચર્યથી હક્કો-બક્કો થઈ ગયો કેકે…. એના ડોળા ચકળવકળ થવા લાગ્યા. આંખ ભીની થઈ… ‘ઓહનો!!એ બધા તરફ જોવા લાગ્યોચક્રાકારે સહુએ એને ઘેરી લીધો હતો. હું એની એકદમ નજીક હતો. એ મારા તરફ ઢળ્યો. મેં એને સંભાળી લીધો.. એનો હાથ છાતી પર ભિંસાયો.. મને-અમને કોઈને કશી સમજ ન પડી.
કેકે….?!…કે….કે ?!!’ બધાએ એને ઘેરી લીધોપણ, કેકે બધાને છોડીને જતો રહ્યો હતો.. એને માસિવ હાર્ટ એટેક આવ્યો હતો. અમો કંઈ પણ કરી ન શક્યા.. અમને બધાને સરપ્રાઈઝ આપી ગયો, કેકે !

‘સરપ્રાઇઝ’ વાર્તા પીડીએફ ફોરમેટમાં મેળવવા અહિં ક્લિક કરો. આપના કમ્પ્યુટર પર સેવ કરો. મિત્રોને વંચાવો.